“જો બ્રિટનનું બંધારણ અલેખિત હોય તો ભારત તેના આધિપત્ય હેઠળ રહેલ હોવા છતાં
ભારતે લેખિત સ્વરૂપનું બંધારણ શા માટે સ્વીકાર્યું?”
આ અને આ પ્રકારના અન્ય પ્રશ્નો પૂછી પૂછીને મારા મનગમતા વિદ્યાર્થીઓમાંના એક બનનાર, પ્રણવ વિષે આ બ્લોગ છે. વિદ્યાર્થીઓ ઘણા મળતા હોય પરંતુ અમુક જ વિદ્યાર્થીઓ ઊંડી છાપ છોડી જતાં હોય. પ્રણવની તૈયારીને લગતી ચર્ચાઓ આવનાર બ્લૉગ્સમાં તેઓ કરશે. અહીં તેઓ તેમના સંવિધાન કરિયર એકેડેમી સાથેના અનુભવોને વર્ણવે છે તથા થોડા સમય અગાઉ સંવિધાન કરિયર એકેડેમી દ્વારા આયોજિત સેમિનારમાં તેમણે કરેલી રજૂઆતનો વીડિઓ અહી મુકેલ છે.
નમસ્કાર મિત્રો,
મારું નામ પ્રણવ કટારીયા છે. GPSC વર્ગ 1-2ની 2016-2017માં લેવાયેલી પરીક્ષામાં મારી પસંદગી રેન્ક 100 પર થઈ છે અને મને Deputy Superitendent of Police(DySP)સર્વિસ મળેલી છે. દોસ્તો, હું આજે તમારી સાથે મારી UPSC અને GPSCની પરીક્ષા દરમિયાનના મારા સંવિધાન કરિયર એકેડેમી અને ખાસ કરીને વિકલ્પ કોટવાલ સર સાથેના અનુભવો વિશે વાત કરવા માંગુ છુ.
વિકલ્પ સર સાથે મારો પ્રથમ પરિચય એક અન્ય ક્લાસમાં UPSCની બેચમાં થયેલો, જ્યાં પ્રથમ વાર સર સાથે મારો શિક્ષક અને વિદ્યાર્થી તરીકેનો નાતો બંધાયો જોકે તે પછી સરે મારી સાથે એક નાના ભાઈ જેવો વ્યવહાર રાખ્યો છે. અને આવું ફક્ત મારી સાથે જ નહિ પરંતુ તેમના તમામ વિદ્યાર્થીઓ સાથે સરનો આવો જ વ્યવહાર હોય છે. મારા મતે સરનો આવો વ્યવહાર જ વિદ્યાર્થીઓને તેમની સમસ્યાઓ મુક્તપણે સર સમક્ષ રજુ કરવા પ્રેરિત કરે છે, તથા સમસ્યાઓની રજૂઆત જ તેના સમાધાનનું પ્રથમ પગથિયું છે. હું દ્રઢપણે માનું છું કે મારી સફળતા પાછળ એક મોટી ભૂમિકા વિકલ્પ સરની છે કારણ કે વર્ગ 1-2 ની પરીક્ષામાં સફળ થવા માટે એક અધિકારી જેવા વર્તન ,વિચારો અને વ્યકક્તિત્વ હોવા જરૂરી છે. અને સરના પ્રભાવથી આ બાબતો મારા વ્યક્તિત્વમાં આવી શકી છે, જેણે મારા મતે મારી સફળતા સુનિશ્ચિત કરી છે.
મિત્રો, અહિયાં હું વિકલ્પ સરના વ્યક્તિત્વની વાત કરીશ જેનાથી તમે સમજી શકો કે એક અધિકારી પાસે કેવા વર્તનની અપેક્ષા હોય છે, અને તમે જ્યારે અધિકારી બનવા માંગો છો તો તમારે કયા પ્રકારનું વ્યક્તિત્વનું નિર્માણ કરવું પડશે. સૌપ્રથમ તો સર હંમેશા ઉર્જાવાન(Energetic)રહેતા હોય છે. સતત લેકચરમાં બોલ્યા પછી આવી ઉર્જા જાળવી રાખવી એ એક મોટો પડકાર હોય છે. એક અધિકારીને પણ સતત ઉર્જાવાન અને સતર્ક બનેલા રહેવાનો પડકાર આવતો હોય છે. બીજો મુદ્દો છે આશાવાદીતા (Optimistic attitude). સરની વાતોમાં ક્યાંય નકારાત્મકતા હોતી નથી . સરકારમાં કામ કરતા વ્યવસ્થામાં ઘણી બધી મર્યાદાઓ હોવા છતાં તેમાં સુધારાની આશા અધિકારીમાં હોવી ખૂબ જ જરૂરી હોય છે. હું માનું છું કે સરની સૌથી મોટી ખાસિયત તેમનું સંવાદ કૌશલ્ય છે. ગમે તે વ્યક્તિ તેમની સાથે વાતચીત કર્યા બાદ તેમનાથી પ્રભાવિત થયા વિના રહેતો નથી. મારા માટે સંવાદકૌશલની તેમની આ વિશેષજ્ઞતામાં પાયારૂપ ભૂમિકા જે તત્વ ભજવે છે તે છે ‘ભાષા’ . સર ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓ પર ખૂબ સારી પકડ ધરાવે છે. મને યાદ છે સર અમને પહેલાથી કહેતા આવ્યા છે કે વર્ગ 1-2 ની તૈયારી માટે તમારે કોઈ એક ભાષા પર સારી પકડ હોવી ખૂબ જરૂરી છે. આવું કેમ હશે એ તે સમયે તો ખ્યાલ નહોતો આવ્યો પરંતુ તૈયારી કરતાં ધીરે ધીરે તેનું કારણ સમજાતું ગયું.
મિત્રો, ક્લાસ 1-2ની પરીક્ષામાં (UPSC/GPSC) દ્વિતીય તબક્કો મુખ્ય પરીક્ષાનો અને અંતિમ તબક્કો ઈન્ટરવ્યૂનો આવતો હોય છે. જેમાં અનુક્રમે વિગતે ઉત્તરો ( Descriptive answers) અને મૌખિક સ્વરૂપમાં જવાબો આપવાના હોય છે. આ બંને સ્વરૂપના જવાબો આપવા માટે જે ભાષામાં જવાબો આપવાના હોય તે ભાષા પર સારી પકડ હોવી જરૂરી બની જાય છે, તથા આ જ મુદ્દો મારા મતે વિદ્યાર્થિની સફળતા અને નિષ્ફળતા વચ્ચે ભેદ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વાત જ્યારે ભાષાની નીકળી છે તો હું ખાસ ઉલ્લેખ કરીશ એક ઘટનાનો કે જ્યારે મેં સરને પ્રથમવાર સાંભળ્યા ત્યારે પહેલીવાર ખ્યાલ આવ્યો કે ગુજરાતી ભાષાને અંગ્રેજી કરતાં વધુ પ્રભાવશાળી રીતે બોલી શકાય છે. મિત્રો, અહિ વિષયાંતર ન થાય એ માટે વિગતે વાત નથી કરતો પરંતુ માતૃભાષામાં શિક્ષણ ઉપર ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામના વિચારો તમે અચૂક વાંચશો.
દોસ્તો, વિકલ્પ સર સાથેના અનુભવોની તો મેં તમને વિગતે વાત કરી. હવે હું તમને એકેડેમી સાથેના કેટલાક અનુભવો, મારા મતે તેની વિશેષતાઓ જે તેને અન્યો કરતાં જુદી બનાવે છે તેની વાત કરું. વર્ષ 2014માં સર દ્વારા તેમના પ્રિય વિષય એવા બંધારણના હિન્દી પર્યાય ”સંવિધાન” શબ્દ પરથી સંવિધાન કરિયર એકેડેમીની શરુયાત કરવામાં આવી. કોઈપણ સંસ્થાનું ચરિત્ર તેનું નેતૃત્વ કરનારા નેતા(Leader)ના આધારે નક્કી કરી શકાય. તેવીજ રીતે સંવિધાન કરિયર એકેડેમી તેના ડાયરેક્ટર એવા ડૉ. વિકલ્પ કોટવાલ સરના વ્યક્તિત્વની પ્રતિનિધિ સંસ્થા છે. સરનો આ ક્ષેત્રમાં લાંબો અનુભવ વિદ્યાર્થીઓની તૈયારીને એક ચોક્કસ દિશા આપે છે, જે હાલની સ્પર્ધાત્મક પરીક્ષાઓની ગળાકાપ સ્પર્ધા માટે અત્યંત જરૂરી છે. બીજું , હાલના ડિજીટલ ઈન્ડિયાના યુગમાં સર દ્વારા ટેક્નોલોજીનો ઉપયોગ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ રીતે કરવામાં આવે છે.જેમકે ક્લાસમાં બંધારણ સભામાં થયેલી ચર્ચાઓ પર આધારિત અને મશહૂર ફિલ્મ ડાયરેક્ટર શ્યામ બેનેગલ દ્વારા નિર્મિત ‘સંવિધાન’ ધારાવાહિક બતાવવામાં આવે છે, ઉપરાંત ક્યારેક આર્ટ ફિલ્મો પણ બતાવે છે, જે સામાજિક – આર્થિક મુદ્દાઓથી નિસ્બત ધરાવતી હોય . આ બાબતો વિદ્યાર્થીઓને પુસ્તકિયા જ્ઞાન સુધી મર્યાદિત રહેવાની વૃત્તિમાંથી બહાર લાવે છે અને વિદ્યાર્થીઓમાં મૌલિકતા અને રચનાત્મકતા લાવે છે અને વર્ગ 1-2ના અધિકારી બનવા સક્ષમ બનાવે છે . સંવિધાન કરિયર એકેડેમીની ત્રીજી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે વિદ્યાર્થીઓ નિયમિત રીતે મુદ્દાઓ તૈયાર કરીને લાવે છે અમે તેને વર્ગ સમક્ષ રજૂ કરે છે અને પછી અન્ય વિદ્યાર્થીઓ તેની પર પ્રશ્નો પણ પૂછે છે અને વક્તાએ તેનો જવાબ પણ આપવો પડે છે. આ પધ્ધતિ દ્વારા વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ આવે છે, જાહેર મંચ પર બોલવાનો ભય દૂર થઈ જાય છે અને કોઈ પણ પ્રશ્નનો તાત્કાલિક, સંતુલિત અને સકારાત્મક ઉત્તર કઈ રીતે આપવો તેનું કૌશલ પણ વિદ્યાર્થી શીખતા જાય છે. મિત્રો, મારા લેક્ચરર તરીકેના અનુભવના આધારે કહું તો તૈયારી કરવાની આ પધ્ધતિ વર્ગ 1-2ની મુખ્ય પરીક્ષા અને ખાસ તો ઇન્ટરવ્યૂમાં ખૂબ જ ઉપયોગી અને અનિવાર્ય બને છે.
દોસ્તો, હવે હું સ્પર્ધાત્મક પરીક્ષાઓના અંતિમ તબક્કા એવા ઇન્ટરવ્યૂની વાત કરું, અને સંવિધાન સાથેના મારા મોક ઇન્ટરવ્યૂના અનુભવોની વાત કરું. અહિ હું ખાસ ઉલ્લેખ કરવા માંગીશ કે GPSCની મુખ્ય પરિક્ષામાં મારો સ્કોર અન્ય પસંદગી પામેલા સફળ લોકોની તુલનામાં ઓછો હતો પરંતુ ઇન્ટરવ્યૂમાં મને ખૂબ સારા માર્કસ ( 65/100 marks જેને “Exceptionally well”ની શ્રેણીમાં મૂકી શકાય) હોવાથી મને DySP જેવી સર્વિસ મળી શકી છે અને માટે જ હું સંવિધાન કરિયર એકેડેમીનો ઋણી છું. ઇન્ટરવ્યૂની તૈયારી કરાવવાની સંવિધાનની વિશિષ્ટ પધ્ધતિ છે. સરનો પ્રાથમિક ઉદ્દેશ્ય તો વિદ્યાર્થીઓમાં પાયારૂપ શિષ્ટાચાર ( Basic manners and etiquettes) વિકસિત કરવાનો હોય છે. જો આ હોય તો અમુક ન્યૂનતમ માર્કસ તો મળી જ જતાં હોય છે અને ન હોવાની સ્થિતિમાં ખરાબ માર્કસ આવવાની સંભાવના ખૂબ વધી જાય છે. સંવિધાનના મોક ઇન્ટરવ્યૂની બીજી વિશેષતા છે વિકલ્પ સરના પોતાના UPSC અને GPSC વર્ગ 1-2ના ઇન્ટરવ્યૂના અનુભવો, જેના કારણે સર આ વર્ગ 1-2ના ઇન્ટરવ્યૂના વાસ્તવિક પડકારો અને જરૂરિયાતો સમજી શકે છે . મોક ઇન્ટરવ્યૂનું વીડિઓ રેકોર્ડિંગ કરવું એ સંવિધાનના મોક ઇન્ટરવ્યૂની ત્રીજી ખાસિયત છે. આ વિડીયો પછી વિદ્યાર્થીઓને તેમના સ્વમૂલ્યાંકન માટે અપાય છે, જેને જોઈ વિદ્યાર્થી ઇન્ટરવ્યૂ દરમિયાન તેનાથી થતી ભૂલોને બારીકાઈથી સમજી શકે છે. સંવિધાનના મોક ઇન્ટરવ્યૂની સૌથી અગત્યની ખાસિયત જો કોઈ હોય તો તે છે મોક ઇન્ટરવ્યૂ પછી આયોજિત થતાં “રિવ્યુ શેશન”( review session). આ સેશનમાં સર વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાઓ અને મર્યાદાઓ વ્યક્તિગત રીતે જણાવે છે અને તેમાં સુધારાઓ માટે સૂચન કરે છે. મારા કિસ્સામાં મને સરના આવા સૂચનો ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે.
મિત્રો, કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાના મજબૂત પાસાઓની સાથોસાથ કેટલીક મર્યાદાઓ પણ હોય છે જ , પરંતુ જ્યારે સારી બાબતો વધુ મજબૂત હોય ત્યારે કેટલીક સૂક્ષ્મ મર્યાદાઓ ખાસ અસરકારક બની શક્તિ નથી. સંવિધાન કરિયર એકેડેમીના સંદર્ભમાં પણ આવું જ કહી શકાય. એકેડેમી અને વિકલ્પ સર બંને સાથેના મારા અનુભવો ખૂબ જ સુંદર અને અમુલ્ય છે. સર અને એકેડેમીને વધુને વધુ મોટી સફળતાઓ મળતી રહે અને તેમના માધ્યમથી દેશ, રાજ્ય અને સમાજને સારા અધિકારીઓ મળતા રહે તેવી મારી હાર્દિક શુભકમનાઓ.
આભાર.