ડો.ભીમરાવ આંબેડકરજી

 

આંબેડકરજયંતી નિમિત્તે એક લેખ લખવાનું આમંત્રણ મળ્યું.

મારા જીવનના આદર્શ એવા બાબાસાહેબ વિષે આ પ્રસંગે લખેલ લેખ રજૂ કરેલ છે. 

      

       “By showing me injustice, he taught me to love justice.” – Roy Black

       “અન્યાય બતાવીને તેણે મને ન્યાયને પ્રેમ કરતાં શીખવ્યું.” – રોય બ્લેક

 

       ડો.ભીમરાવ આંબેડકરજી લખાણનું વિષયવસ્તુ હોય અને તેવા લખાણની શરૂઆત કોઈ અન્યના વિચારથી કરવી એ થોડું અજુગતું લાગે કેમકે આંબેડકરજી ખુદ એક વ્યક્તિથી આગળ એક મહાન વિચાર છે. છતાં અહીં મેં એ ચેષ્ટા કરી, કારણકે રોય બ્લેકનું ઉપરોક્ત કથન જાણે કે આંબેડકરજી જીવ્યા છે. અન્યાય સાથેના તેમના પરિચયે જ તેમનામાં ન્યાયની ઝંખના ઊભી કરી કે જે ઝંખનાએ ડો.ભીમરાવ આંબેડકરને ‘બાબાસાહેબ’ બનાવ્યા.

       9 મે, 1916ના રોજ અમેરિકાની કોલમ્બિયા યુનિવર્સિટીમાં પોતાનું સંશોધનપત્ર “Castes in India : Their Mechanism, Genesis and Development” રજૂ કરતાં આંબેડકરજીએ ગંભીર વિશ્લેષણ મૂક્યું હતું કે હિંદુસ્તાનની રગેરગમાં જ્ઞાતિ વ્યવસ્થાનું ઝેર ભરેલું છે અને કમનસીબે આ ઝેર ધીરે ધીરે આગળ પ્રસરી રહ્યું છે. કોને ખબર હતી કે આંબેડકરજીનું આ સંશોધન એટલું સાચું સાબિત થશે કે આજે બ્રિટેન જેવા દેશમાં પણ જ્ઞાતિ આધારિત ભેદભાવો નોંધાઈ રહ્યા છે. વર્ષ 2010માં બ્રિટેનની સરકાર દ્વારા રચાયેલ આયોગે પોતાના રિપોર્ટમાં આવા જ્ઞાતિ આધારિત ભેદભાવોની હાજરીની પુષ્ટિ કરી છે. આ ભેદભાવોની માત્રા બ્રિટેનમાં એટલી હદે વધતી ગઈ કે ત્યાંની સરકારે તેને રોકવા માટે કાયદો બનાવવાની દિશામાં પહેલ કરી છે. જ્ઞાતિ જેવી સંસ્થા બ્રિટિશ સમાજમાં ગેરહાજર હોવાના કારણે તેમની પાસે આ પ્રકારના ભેદભાવોને અટકાવવા માટે કોઈ કાનૂની વ્યવસ્થા જ નથી. હવે ભારતીયોએ ત્યાં વસીને આવો કાયદો બનાવી આપવાનું વાતાવરણ પૂરું પાડ્યું છે. શું આ આપણો ભારત રાષ્ટ્રનો સંકલ્પ છે? આ સમયે આંબેડકરજી અને તેમના વિચારોની પ્રસ્તુતતા ભૂતકાળની સાપેક્ષે અનેકગણી વધી જાય છે.

       આંબેડકરજીને સામાજિક ન્યાયના આગ્રહી અને સંઘર્ષકર્તા તરીકે તો સૌ કોઈએ સ્વીકાર્યા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી મનમાં એક સવાલ બેચેન બની રહ્યો કે શું આંબેડકરજીની આ સ્વીકૃતિ દ્વારા તેમની પ્રતિભા, તેમના પ્રયત્નોને આપણે સાચો ન્યાય આપ્યો છે? બંધારણસભાની છેલ્લી બેઠકમાં જ્યારે આંબેડકરજીને વક્તવ્ય માટે આમંત્રિત કરવામાં આવ્યા, ત્યારે તેમણે પોતાના એ વક્તવ્યમાં નોંધેલ બાબતો પૈકીની એક મહત્વપૂર્ણ બાબત હતી કે ભારતમાં કોઈ વ્યક્તિવિશેષ પ્રત્યે ભક્તિની ભાવનાનો અનોખો પ્રવાહ જોવા મળે છે. આ પ્રવાહ કે જ્યાં પ્રજા કોઈ વ્યક્તિને સામાન્ય માનવીની વ્યાખ્યામાંથી બહાર લાવીને એક મહાત્માની કક્ષાએ પહોંચાડી દેતી હોય છે. આંબેડકરજીના મતે નેતા પ્રત્યેનો પ્રજાનો આટલી હદે ભક્તિભાવ વિશ્વ આખામાં બીજા કોઈ જ દેશમાં જોવા મળતો નથી. આ ભારતીય પરંપરા અજોડ છે, અનન્ય છે. આંબેડકરજીના અભિપ્રાયનુસાર આ જ બાબત લોકશાહી માટે નુક્સાનકારક સાબિત થઈ શકે.

       અહીં વાતનું તાત્પર્ય સૂચવે છે કે ક્યાંક આપણે આંબેડકરજી સાથે પણ એ જ તો નથી કર્યું ને! ભારતીય રાજકારણમાં તથા સમાજમાં જે રીતે જ્ઞાતિ અથવા ધર્મ આધારિત સમુદાયો કોઈ નેતા ઉપર પોતાનો અધિકાર પ્રસ્થાપિત કરવાની ગંભીર ધૃષ્ટતા કરતાં હોય છે, શું એ જ ધૃષ્ટતા આંબેડકરજી સંદર્ભે પણ નથી થઈ? આવા મહાન વ્યક્તિત્વો ઉપર કોઈ ચોક્કસ વર્ગો પોતાના હોવાની દાવેદારી નોંધાવે એ કેટલી હદે યોગ્ય?

       જ્યારે કોઈ સમુદાય આવા વ્યક્તિત્વને સંપૂર્ણપણે પોતાના કરી લેતો હોય છે ત્યારે એ વ્યક્તિત્વ આપોઆપ અન્ય સમુદાયો માટે પારકું બની જતું હોય છે અને તેથી જ તે વ્યક્તિત્વના સમગ્ર રાષ્ટ્ર, સમગ્ર વિશ્વ માટેના પ્રયત્નો હાંસિયામાં ધકેલાઇ જતાં હોય છે. કદાચ આ પરિસ્થિતિનો સૌથી વધુ ભોગ બનનાર કોઈ વ્યક્તિત્વ હોય તો તે આંબેડકરજી છે. સામાજિક અન્યાયનો ભોગ બનેલ અને બની રહેલ વર્ગોમાંના અમુક આંબેડકરજીને પોતાના મસીહા તરીકે એ રીતે રજૂ કરતા હોય છે કે જેથી અન્ય વંચિત વર્ગો આપોઆપ આંબેડકરજીથી અંતર અનુભવતા થયા છે. પરિણામસ્વરૂપ સ્ત્રીઅધિકાર માટે જે તે વખતના રૂઢિચુસ્ત સમાજ, સરકાર અને રાષ્ટ્રપતિ સુધ્ધાની સામે લડત આપનાર આંબેડકરજીને ભારતીય નારી પોતાના નેતા તરીકે જોતી નથી; નથી તે જ રીતે લઘુમતી સમુદાયો અને કામદાર વર્ગ આંબેડકરજીમાં પોતાના પ્રતિનિધિને મેળવતો. આ તે વળી કેવી વિટંબણા કે અર્થશાસ્ત્રના પ્રકાંડ પંડિત એવા આંબેડકરજીના ભારતીય અર્થતંત્ર ઉપરના સંશોધનો વિષે મોટાભાગનો ભારતીય સમાજ અજાણ છે! વિશ્વ આખાએ જેના અર્થશાસ્ત્રના જ્ઞાનને પિછાણ્યું તેનો લાભ સ્વતંત્ર ભારતની અર્થવ્યવસ્થાને જ ન મળ્યો? છેલ્લા બે વર્ષમાં સનદી સેવાઓ વર્ગ-1/2ના વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુઝ માટે તૈયાર કરતી વખતે મોક ઇન્ટરવ્યુઝમાં અવારનાવાર પ્રશ્નો કર્યા કે આંબેડકરજીનું બંધારણ ઘડવા સિવાયના ક્ષેત્રોમાં ભારત માટે યોગદાન જણાવો. ખેદપૂર્વક કહેવું પડે કે ભવિષ્યના વર્ગ-1/2ના અધિકારી એવા એ ઉમેદવારોમાંથી એક પણ વિદ્યાર્થી પાસેથી આનો જવાબ ન મળ્યો. ભારત સરકાર આંબેડકર જયંતિ, 14 એપ્રિલને રાષ્ટ્રીય જળ દિવસ(National Water Day) તરીકે જાહેર કરે છે પરંતુ આ અબુધ સમાજ હજુ એ નથી જાણતો કે આંબેડકરજીનું દેશના જળ સંસાધનોના સંદર્ભે શું યોગદાન છે. BHIM એપ્લિકેશન લોકો વાપરતા થાય પરંતુ તે એપ્લિકેશનને આંબેડકરજીનું નામ આપવા પાછળ આંબેડકરજીના financial inclusion માટેના વિચારોને સન્માન આપવાનું ધ્યાને લેવાતું નથી.

       શા માટે આંબેડકરજીનું ભારતના સંદર્ભમાં યોગદાન ફક્ત “બંધારણના ઘડવૈયા” તરીકે સીમિત કરી દેવાયું છે? અને જો એ એમનું શ્રેષ્ઠ યોગદાન છે જ તો એ યોગદાનને સમાજે સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો? બંધારણ-ઘડતરમાં કઈ એ બાબતો હતી કે જેણે તેમને ‘બંધારણના પિતા’નું બિરૂદ અપાવ્યું તે જાણવાની કે જણાવવાની ક્રિયાશીલતા સમાજના કહેવાતા બુધ્ધિશાળી વર્ગમાં જોવા મળતી નથી. બંધારણમાં ભારતને federation ન કહેતા union કહેવા ઉપર ભાર મુક્તા આંબેડકરજી, સુપ્રિમ કોર્ટને મૂળભૂત અધિકારોની રક્ષક તરીકે પ્રસ્થાપિત કરતા આંબેડકરજી કે કટોકટીની જોગવાઇઓ દ્વારા ભારતસંઘની અખંડિતતાને બરકરાર રાખવા દલીલ કરતાં આંબેડકરજીના તર્કને પામવાની કોશિષ સુધ્ધા થતી જણાતી નથી. ઊલ્ટાનું આંબેડકરજીના બંધારણનિર્માણના પ્રયત્નોની સામે કૃત્રિમ શંકા ઊભી કરવાના ભ્રષ્ટ ઈરાદાઓથી લખાતા સમાચારપત્રોના લેખો એ આજની ફેશન બનતા જાય છે. બંધારણમાંથી જ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર મેળવીને તેની જ મદદથી બંધારણના આદર્શોનું સન્માન કરવાની બંધારણીય મૂળભૂત ફરજનું ઉલ્લંઘન કરવાની જાણે કે નવી પરંપરા કાયમ થઈ રહી છે.

       આંબેડકરજી કોઈ એક વર્ગવિશેષનો વિશેષાધિકાર નથી. તેઓ દરેક વર્ગનો સમાન અધિકાર છે. રાષ્ટ્રના સાંપ્રત પ્રશ્નોનાં જવાબ શોધતા, સમસ્યાઓનો ઉકેલ ખોળતા દરેક બૌધ્ધિક વર્ગનો જવાબ છે આંબેડકરજી. બૌધ્ધિકતાના શ્રેષ્ઠતમ માપદંડો આંબેડકરજીએ એ સમયે પ્રસ્થાપિત કરી બતાવ્યા હતા તે બૌધ્ધિક સંપદા આજે પણ વિશ્વના વિકસિત રાષ્ટ્રોની યુનિવર્સિટીઝમાં અભ્યાસસામગ્રી તરીકે ખર્ચાય છે, અને ભારતમાં?

       આંબેડકરજીએ બંધારણ ઘડયા બાદ સ્પષ્ટતા કરી હતી કે બંધારણ ગમે તેટલું શ્રેષ્ઠ હોય પરંતુ જો તેને અમલમાં લાવનાર પ્રજા યોગ્ય ન હોય તો તે બંધારણ શ્રેષ્ઠ હોવા છતાં નિષ્ફળ સાબિત થાય. તેથી જ જ્યારે તેમણે બંધારણની જોગવાઈઓનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન થતાં જોયો ત્યારે તેમણે વિધાન કર્યું હતું કે ભલે મેં બંધારણ ઘડ્યું હોય પણ તેને બાળવાવાળો હું જ પહેલો હોઈશ. અહીં આ કહેવા પાછળનો તેમનો મુદ્દો સ્પષ્ટ કરતાં તેમણે જણાવ્યું હતું કે આપણે ભગવાનના રહેવા માટે ઘર બનાવ્યું હતું પણ જો તેમાં દાનવોનો વાસ થાય તો તે ઘરને નષ્ટ કરવા સિવાય બીજો કોઈ જ ઉપાય બચતો નથી. આવું જ બંધારણનું પણ છે. બંધારણ ઉમદા હેતુઓ માટે, રાષ્ટ્રનિર્માણ માટે ઘડાયું હતું, સ્વાર્થને સિધ્ધ કરવા સારુ નહીં. જો તેમ નથી થઈ શકતું તો તે આપણી સૌથી મોટી નિષ્ફળતા ગણાય. બંધારણ માધ્યમ છે, સાધ્ય નહીં, સાધ્ય તો રાષ્ટ્રહિત જ હોય. પરંતુ અહીં આંબેડકરજીના શબ્દોનો સાચો સંદર્ભ ટાંકયા વગર બુધ્ધિભ્રષ્ટ અને જંગલી માનસિકતા ધરાવતા આજના સમયના કહેવાતા પત્રકારો અને લેખકો આંબેડકરજીને એમના જ શબ્દો દ્વારા બદનામ કરવા માટે સક્રિય બનેલા જણાય છે. આંબેડકરજીએ BBC newsને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભારતમાં લોકશાહી જળવાઇ રહે તે મુશ્કેલ છે. તેમણે ભારતીય સમાજની પાયારૂપ નબળાઈઓને લોકશાહીના અમલીકરણમાં બાધારૂપ ગણાવી હતી. લોકશાહીનો ચોથો સ્તંભ મીડિયા જ્યારે જનમાનસને ખોટી દિશામાં વાળવાનો પ્રયત્ન કરી રહ્યું હોય ત્યારે આંબેડકરજીનું દૂરંદેશીપણું સમજાય.

       આંબેડકર જયંતિના આ પર્વે એટલું ચોકકસથી કહીશ કે આંબેડકરજીને વાંચો, આંબેડકરજી વિષે નહીં. તેમના વિચારોની અપૂરતી સમજ કેળવી તેમના વિષે લખાણો અને ભાષણો કરીને આ દેશ આંબેડકરજીની બૌધ્ધિક સંપદાનો લાભ મેળવવામાં હજુ વંચિત જ રહ્યો છે. રાષ્ટ્રને લગતા મોટાભાગના મહત્વપૂર્ણ વિષયો ઉપરના આંબેડકરજીના વિસ્તૃત લખાણો અને ભાષણો એ ભારતના ભવિષ્યને સોનેરી દિશા સૂચવી શકશે. આંબેડકરજી એ તાર્કિકતાનો પર્યાય છે. કુતર્કની હાજરીમાં જ આંબેડકરજીની ગેરહાજરી હોય, તે સિવાય રાષ્ટ્રહિતને સ્પર્શતી દરેક બાબતમાં આંબેડકરજીની હાજરી સાહજિક છે.  

 

                                                                         ડો.વિકલ્પ રમેશચંદ્ર કોટવાલ

                                                                      ડિરેક્ટર, સંવિધાન કરિયર એકેડેમી

                                                                         લેખક, સંવિધાન પબ્લિકેશન્સ

8 thoughts on “ડો.ભીમરાવ આંબેડકરજી”

  1. અન્યાય બતાવીને તેણે મને ન્યાયને પ્રેમ કરતાં શીખવ્યું.”
    Khub Saras.

  2. It wouldnt be an exaggeration if I say this is the most genuine and elaborative article ever read in Gujarat. It is undoubtedly agreeable that most news reporter just write superficial information about Dr. B.R. Ambedkar to create a wrong sense in laymen. If we could’ve used the contribution of Ambedkar in nation building, poverty would have been eradicated from the India.
    There would be no person in the entire planet, whom have done so much in his single life in such a situation. Be it Anthropology, Economics, Politics, Law, Constitution, Linguistics science, Religion, International relations, Planning of major dams, Electric grid of the nation etc. I can write or speak hours and hours for his contribution. We should utilise his contribution being an unbiased Indian for the nation cause.
    It is painful to see him as the ghettoisation as a dalit leader in this country. Sometime it makes me so happy to see write or speak a person like you. Sir, you are such an inspiration for the youth. Keep your good work for the nation building. Keep guiding us.

  3. It wouldnt be an exaggeration if I say this is the most genuine and elaborative article ever read in Gujarati. It is an undoubtedly agreeable that most news reporters just write superficial information about Dr. B.R. Ambedkar to create a wrong sense in laymen. If we could’ve used the contribution of Ambedkar in nation building, poverty would have been eradicated from the India.
    There would be no person in the entire planet, whom have done so much in his single life in such a situation. Be it Anthropology, Economics, Politics, Law, Constitution, Linguistics science, Religion, International relations, Planning of major dams, Electric grid of the nation etc. I can write or speak hours and hours for his contribution. We should utilise his contribution being an unbiased Indian for the nation cause.
    It is painful to see him as the ghettoisation as a dalit leader in this country. Sometime it makes me so happy to see write or speak a person like you. Sir, you are such an inspiration for the youth. Keep up your good work for the nation building. Keep guiding us.

  4. First of all i would like to wish you sir, Happy 127th Dr Bhimrao Ambedkar Jayanti.
    Aftre leaving Samvidhan academy mine perception towards Ambedkarji has got narrowed. It’s ur blog and specifically on Ambedkarji so it is understandable, being your student i have to read it very metaculously as your perception and understanding of Ambedkarji life is very authentic and in depth.sir, thank u for refreshing my thought about Ambedkarji.U r my Idol sir after Ambedkarji. Thank u once again sir.
    Jay bhim . . . 🙏🙏🙏🙏🙏🙏🙏

  5. આંબેડકરજી કોઈ એક વર્ગવિશેષનો વિશેષાધિકાર નથી. તેઓ દરેક વર્ગનો સમાન અધિકાર છે. – Best Line ever in this passage.

  6. બંધારણ માધ્યમ છે, સાધ્ય નહીં, સાધ્ય તો રાષ્ટ્રહિત જ
    હોય. આ રાષ્ટ્રહિત ની વાત અને લાગણી વગર દેશભકિત એક આડંબર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *