પ્રજાસત્તાક અને પ્રતિનિધિત્વ

દેશનું બંધારણ. શું હોય આ બંધારણ?

ભારતના બંધારણની વાત આવે ત્યારે સામાન્ય રીતે તેની ચર્ચા માત્ર આરક્ષણ, ડૉ. આંબેડકર જેવા મુદ્દાઓ સુધી સીમિત થઈ જતી હોય છે. આમ કરીને વાસ્તવમાં આપણે તે મહાન ગ્રંથને અજાણતા પણ અન્યાય કરી બેસીએ છીએ. આવો અન્યાય કર્યાનું લાંછન  આપણા પર ફરીવાર ન લાગે તે માટે આજે જાણીએ કે કોઈ દેશનું બંધારણ શું હોય, તે શા માટે હોય, તેની ભૂમિકા શું હોય!

માનવસમાજ સમય સાથે સભ્ય થતો ગયો તેમ તેણે પોતાનું નિયમન કરવા સારુ નિયમો/કાયદા ઘડવા જરૂરી સમજ્યા. અલગ- અલગ ક્ષેત્રોની જરૂરિયાત અનુસાર તે આવા નિયમો/કાયદા ઘડતો ગયો. દરેક ક્ષેત્રની પોતાની આગવી લાક્ષણિકતાઓ હોવાની. તેથી તે મુજબ ક્ષેત્રે-ક્ષેત્રે કાયદાઓમાં વૈવિધ્ય હોય તે સ્વાભાવિક છે. પરંતુ આ વૈવિધ્ય છતાં તે દરેક ક્ષેત્રના કાયદાઓને બાંધી રાખતી એક કડી જોઈએ જે આ કાયદાઓમાં એકરૂપતા લાવે. વૈવિધ્યમાં પણ એકતા આવશ્યક છે જે થકી સમાજને એક પ્રવાહમાં, એક દિશામાં પ્રગતિના પથ પર આગળ વધારી શકાય. આ એકરૂપતા લાવવી ક્યાંથી?

વિચાર જન્મ્યો કે આ તમામ ક્ષેત્રોના કાયદાઓને જોડતો એક મોટો કાયદો ઘડીએ. આ મોટો કાયદો એવો હોય કે જે બાકીના તમામ કાયદાઓનું માર્ગદર્શન કરતો હોય. આવો કાયદો એટલે જ બંધારણ. કોઈ દેશનું બંધારણ એટલે એક સામાન્ય પુસ્તક માત્ર નહીં.  આ એક ગ્રંથ છે જેને દેશનો મૂળભૂત કાયદો ગણવામાં આવે છે. આ એ કાયદો છે જેના આધાર પર દેશના અન્ય કાયદાઓ ઘડાય. દેશમાં એક પણ એવો કાયદો સંભવી ન શકે કે જે બંધારણની જોગવાઈઓથી વિપરીત હોય. બંધારણ એ દેશની વ્યવસ્થા માટેના પાયારૂપ સિદ્ધાંતોનું સૂચન કરે, કહો કે દેશની વ્યવસ્થાનો પાયો નાંખે. બંધારણમાં નિર્દિષ્ટ આ સિદ્ધાંતોના આધારે કાયદા ઘડાય કે જે કાયદાઓ દેશની વ્યવસ્થા માટે વિગતો પૂરું પાડવાનું કામ કરે. આમ, જો બંધારણ દેશની વ્યવસ્થાનો પાયો છે તો તેના ઉપર ઊભી થયેલી ઇમારત ઘડવાનું કામ દેશના કાયદા કરશે. વિચારો, જો પાયો જ કાચો હોય તો? તે જ દિશાહીન હોય તો? આપ સમજો છો કે પાયો કાચો હોય તો ઇમારતનું પતન નિશ્ચિત છે. દેશનું બંધારણ જો મજબૂત ન હોય તો દેશની વ્યવસ્થા લાંબો સમય ટકી ન શકે. તે થોડા વર્ષોમાં ધરાશાયી થઈ જાય, દેશમાં રહેલ માનવસમાજ વેરવિખેર થઈ જાય. બંધારણ મજબૂત હોય, પરંતુ તેનું માર્ગદર્શન જો ખોટું હોય તો સમાજને તે નૈતિક-પતન ભણી દોરી જાય. આ છે બંધારણની ભૂમિકા. આઝાદી બાદ ભારતના બંધારણે આપણી વ્યવસ્થાનો પાયો નાંખ્યો અને આજે તે વાતને 70 વર્ષથી વધુ સમય વીતી ગયો. આજે પણ આ વ્યવસ્થા અકબંધ છે, આજે પણ ભારતીય સમાજ અનેક વૈવિધ્ય છતાં એક છે.  આ કઈ રીતે થયું? આ જ છે આપણા બંધારણની મહાનતા.

અમેરિકન ક્રાંતિ સમયે એક નારો ખૂબ પ્રસિદ્ધ થયો હતો, “No taxation, without representation”. અર્થાત, પ્રતિનિધિત્વ વગર કરવેરા નહીં. અંગ્રેજોના આધિપત્ય હેઠળ જીવતી અમેરિકન પ્રજા હવે એ સ્વીકારવા તૈયાર નહોતી કે તેમના વિસ્તારથી હજારો માઈલ દૂર ઇંગ્લેન્ડમાં આવેલી સંસદ એમના માટે કાયદા ઘડે. એ પણ એક એવી સંસદ કે જેમાં અમેરિકન પ્રજાના કોઈ પ્રતિનિધિ નહોતા. જે સંસ્થામાં તમારું પ્રતિનિધિત્વ ન હોય તે સંસ્થાને તમારા પર  કર લાદવાની કે બીજી કોઈ પણ સત્તા કેવી રીતે હોઈ શકે? આવો સવાલ કરવો આજે આપણા માટે સહજ છે પણ આ સવાલ એ 18મી સદીના સમયમાં અસહજ હતો. અસહજને સહજ બનાવવા માટે સુધાર લાવવા પડે, જરૂર પડ્યેથી ક્રાંતિની મશાલ ઉઠાવવી પડે. અમેરિકન પ્રજાએ ક્રાંતિ કરવાનું સ્વીકાર્યું.

મુદ્દો અહીં પ્રતિનિધિત્વનો છે, પરંતુ પ્રશ્ન એ છે  કે પ્રતિનિધિત્વનો અર્થ કેટલો વ્યાપકતાથી સ્વીકારાય છે. આપણા માટે વ્યવસ્થામાં કોઈ બોલે, આપણા માટે કોઈ રજૂઆત કરે, આપણા માટે કોઈ લડે, કોઈ કાયદા ઘડે, એ આપણા પ્રતિનિધિ. સાચું. પણ શું પ્રતિનિધિત્વ એટલે આપણે આપણા નેતા પસંદ કરીએ એટલું જ? શું આપણે કોઈના નેતા બની શકીએ એ વાત પ્રતિનિધિત્વના અર્થમાં ન આવે?  પ્રતિનિધિત્વ એટલે પ્રતિનિધિ બનવાની તક મળવી એ પણ ખરું. પ્રતિનિધિત્વનો અર્થ માત્ર પ્રતિનિધિ પસંદ કરવા સુધી સીમિત રાખીએ તો એનો એક અર્થ થાય કે લોકોની પ્રતિનિધિ બનવાની ક્ષમતા પર વિશ્વાસ નથી, એમને એ માટે લાયક નથી સમજવામાં આવ્યા. મારા મતે આ અધૂરું પ્રતિનિધિત્વ થયું.

પ્રતિનિધિત્વનો ખ્યાલ સંપૂર્ણ બનાવવા હેતુ જ આપણું બંધારણ તેના આમુખમાં ઘોષણા કરે છે  કે આપણે ભારતને એક લોકતાંત્રિક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરીશું. પ્રજાસત્તાક શબ્દની વ્યાખ્યા કરાય છે કે જ્યાં દેશના વડાનો હોદ્દો વંશપરંપરાગત રીતે ભરવામાં ન આવતો હોય. એ દેખાય છે એટલી સરળ અને સામાન્ય વાત નથી. દેશના વડાનો હોદ્દો વંશપરંપરાગત ન રાખીને દેશના તમામ નાગરિકોને તે મેળવવા માટેનો અધિકાર આપવો એ તમામ લોકોની પ્રતિનિધિત્વ કરવાની ક્ષમતા ઉપર વિશ્વાસ મૂક્યાનું કહેવાય. આપણું બંધારણ આ કરે છે.

આમુખમાં કરેલ ઘોષણાને અનુરૂપ આપણું બંધારણ જ્યારે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતના દરેક નાગરિકને ઉમેદવારી કરવાની તક આપતી જોગવાઈ કરે છે ત્યારે તે ખરા અર્થમાં આપણી પ્રતિનિધિત્વ કરવાની ક્ષમતાને સ્વીકારે છે. આમ કરીને તે ભારતની પ્રજાના હાથમાં વાસ્તવમાં સત્તા મૂકીને ભારતને પ્રજાસત્તાક ઘોષિત કરે છે.

આવો ભારત પ્રજાસત્તાક 26 જાન્યુઆરી, 2024ના દિવસે પોતાના ગૌરવશાળી અસ્તિત્વના 74 વર્ષ પૂરાં કરશે. ભારતનું સ્વતંત્ર થવું એ એક ઐતિહાસિક સફળતા હતી, પરંતુ ભારતનું પ્રજાસત્તાક બનવું એ એક સાહસિક સંકલ્પ હતો. પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ…

– ડૉ. વિકલ્પ કોટવાલ   (M) 84697 43567

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *