મહારાષ્ટ્ર પરનું હાલનું રાજકીય સંકટ રાજકીય દ્રષ્ટિકોણ વગર બંધારણીય દ્રષ્ટિકોણથી સમજીએ, સરળ શબ્દોમાં.
2019ના વર્ષમાં મહારાષ્ટ્ર વિધાન સભાની ચૂંટણી થઇ. આ ચૂંટણીમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમત ન મળ્યો. સ્પષ્ટ બહુમત એટલે જ્યાં કોઈ પક્ષને ગૃહની કુલ બેઠકોમાંથી ઓછામાં ઓછી અડધી બેઠકો પ્રાપ્ત થાય. જ્યારે કોઈ પક્ષને સ્પષ્ટ બહુમત પ્રાપ્ત ન થાય ત્યારે તેવી સભાને ‘hung assembly’ કહેવાય.
આ ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો BJPને મળી(પણ 50%થી ઓછી). શિવ સેના, કોંગ્રેસ અને NCP એમ ત્રણ ભેગા થયા અને તેમનું ગઠબંધન તૈયાર થયું, જે ‘મહા વિકાસ અઘાડી’ તરીકે ઓળખાયું. આ ગઠબંધનનો સભામાં સ્પષ્ટ બહુમત ઊભો થયો અને તેમની સરકાર રચાઈ.
મહારાષ્ટ્ર વિધાન સભાની બેઠકોની કુલ સંખ્યા 288 છે. આમાંથી ગયા મહિને એક MLAનું મૃત્યુ થવાથી એક બેઠક ખાલી પડી તેથી વિધાન સભાની હાલ અસરકારક સભ્યસંખ્યા 287 છે. આમાંથી મહા વિકાસ અઘાડી પાસે 152 બેઠકો છે.
સરકાર રચવા માટે ઓછામાં ઓછી 50% બેઠકો કોઈ પક્ષ કે ગઠબંધન પાસે હોવી જ જોઈએ તેવું આપણા બંધારણમાં ક્યાંય કહેવાયું નથી. સ્પષ્ટ બહુમત ન ધરાવતાં પક્ષની પણ સરકાર રચાઈ શકે. પણ મુખ્યમંત્રી અને તેમની મંત્રીપરિષદે સંયુક્તપણે વિધાન સભાને જવાબદાર રહીને સરકાર ચલાવવાની હોય. આ સંજોગોમાં જો વિધાન સભાને જ તેમનામાં વિશ્વાસ ન હોય તો તે સરકાર ટકી ન શકે. વિધાન સભાનો જે તે વખતની સરકારમાં વિશ્વાસ છે કે નહિ એનો માપદંડ એટલે વિધાન સભાના ઓછામાં ઓછા 50% સભ્યોનું સરકારને સમર્થન.
હવે હાલની પરિસ્થિતિમાં શિવ સેનાના 37 જેટલા ધારાસભ્યોએ બળવો કર્યો છે. તેથી મહા વિકાસ અઘાડીની 152 બેઠકોનો આંકડો ઘટીને 115 થઇ જાય, જે સ્પષ્ટ બહુમતની જરૂરીયાતથી ઘણો ઓછો છે. તેથી ત્યાં સરકાર પડી ભાંગવાની સંભાવના ઊભી થાય.
વધુ વાતો આવતા અંકે…
- ડૉ.વિકલ્પ આર. કોટવાલ