એક મુદ્દા ઉપર વીડિઓ લેક્ચર અને તે અંગેનું સાહિત્ય પૂરું પડયા બાદ ખાસ્સો એવો સમય વીતી ગયો છતાં કોઈ નવા મુદ્દા ઉપર ચર્ચા પૂરી ન પાડી શકવા બદલ ખેદ અનુભવું છુ.
GPSC વર્ગ-1/2 ની જાહેરાત અને તેમાં પણ અભ્યાસક્રમનું બદલાયેલું સ્વરૂપ,આના કારણે એકેડેમીનું કામકાજ, ઉપરાંત તે મુજબના પુસ્તકો તૈયાર કરવાની જવાબદારીના કારણે વ્યસ્તતા ખૂબ વધી ગઈ . હજુ એ વ્યસ્તતાનો દોર ચાલુ છે, પરંતુ હવે અહીં આ માધ્યમ ઉપર કામ કરવાનો માર્ગ વધુ મોકળો થયો છે.
GPSC દ્વારા ખૂબ મજાનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે કે જેને UPSCની તૈયારીઓના દ્રષ્ટિકોણથી જ વધુ યોગ્ય ન્યાય આપી શકાય. આ માટે સ્વાભાવિક રીતે ગુજરાતી માધ્યમમાં ઉપલબ્ધ હાલના પુસ્તકો ટૂંકા પડે. સંવિધાન પબ્લિકેશન્સ દ્વારા નવા અભ્યાસક્રમને અનુલક્ષીને પુસ્તકો તૈયાર કરવાનું કામ ચાલી જ રહ્યું છે કે જેના ભાગરૂપે નવા અભ્યાસક્રમ મુજબનું પહેલું પુસ્તક ” ભારતનું બંધારણ- એક રાષ્ટ્રની સંહિતા” (બીજી આવૃતિ) ટૂંક સમયમાં રજૂ થશે. GPSC વર્ગ – 1/2ની પ્રાથમિક અને મુખ્ય એમ બંને કસોટીઓમાં નવા ઉમેરાયેલ મુદ્દાઓનો આ બીજી આવૃતિમાં સમાવેશ કરાયો છે.
હવે પુસ્તકોથી આગળ કંઈક વિશેષ કરવાની ઈચ્છા છે. નવા અભ્યાસક્રમ મુજબના તમામ વિષયો ઉપર પુસ્તકો તૈયાર કરવા એ આટલા ટૂંકા સમયમાં શક્યા નથી. હવે એવા વિષયો કે જે વિષે સંવિધાન પબ્લિકેશન્સે પુસ્તકો તૈયાર નથી કરેલ, તે વિષયોનું સાહિત્ય અહીં વેબસાઇટ ઉપર જ પૂરું પાડવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા સચવાય તે રીતે તૈયારી કરી શકે.. વિષયો જેવા કે, ભારતીય અર્થવ્યવસ્થા, ભારતનો ઇતિહાસ, સંસ્કૃતિ, વિજ્ઞાન અને ટેક્નોલોજી વગેરેનું તમે હવે અહીંથી ઓનલાઇન મટિરિયલ ડાઉનલોડ કરી શકશો. સમયે સમયે અલગ-અલગ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ અપલોડ કરવામાં આવશે. આ સાથે જ પ્રેક્ટિસ પ્રશ્નપત્રો પણ સમયે સમયે વેબસાઇટ ઉપર મૂકાતા રહેશે…