નાયબ મામલતદાર / DySO મુખ્ય પરીક્ષાનું એનાલિસીસ
૨૦૧૧થી શરુ થયેલ નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની સીધી ભરતીમાં અત્યાર સુધી લેવાયેલી તમામ મુખ્ય પરીક્ષાઓ કરતાં અલગ માળખા સાથે GPSC દ્વારા ૨૬ તારીખે મુખ્ય પરીક્ષા પૂર્ણ કરાઈ. ધારણા મુજબ જ પરીક્ષાનું સ્તર ઉમેદવારની યાદશક્તિ કરતા સમજશક્તિને ચકાસે તેવું વધુ હતું.
પહેલા આ વર્ગ ૩ની મુખ્ય પરીક્ષામાં ફક્ત 2 ગુણના જ પ્રશ્નો રહેતા. તેથી સીધી હકીકતો/તથ્યો માગતા પ્રશ્નો સિવાય બીજા પ્રકારના પ્રશ્નો પૂછવાની શક્યતા રહેતી નહી. પરંતુ હવે આ વખતથી આ પરીક્ષામાં પણ ૪ ગુણ અને ૧૦ ગુણના પ્રશ્નોનું માળખું મૂકાયું કે જેના જવાબ અનુક્રમે ૬૦-૭૦ અને ૧૧૦-૧૨૦ શબ્દોમાં આપવાના રહે. વર્ગ ૧/૨ની મુખ્ય પરીક્ષામાં ૫ ગુણ અને ૧૦ ગુણના પ્રશ્નોનું માળખું પ્રસ્થાપિત થઇ ચૂક્યું છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની પરીક્ષા હવે વર્ગ ૧/૨ની પરીક્ષાની વધુ નીચે ન આંકી શકાય.
મુખ્ય પરીક્ષાના મૂલ્યાંકનની ખામીઓ અવારનવાર બહાર આવતી રહી છે. ઉપરાંત અમુક પ્રશ્નોના જવાબ માટે બિનજરૂરી વધુ જગ્યા હોવી અને અમુક પ્રશ્નોના જવાબ માટે જરૂર પૂરતી જગ્યા પણ ન હોવી જેવી ખામીઓને બાદ કરતાં એકંદરે કહી શકાય કે પ્રશ્નોની પસંદગી સરાહનીય છે. આ વાતાવરણ ઉભું થઇ રહ્યું છે કે જ્યાં ગોખણવૃત્તિથી દૂર રહી યોગ્ય તૈયારીઓ કરતા ઉમેદવારોને ન્યાય મળે.
પ્રશ્નોનું વૈવિધ્ય સૂચવે છે કે વાંચન પણ વૈવિધ્યપૂર્ણ હોવું જોઈશે.
ખાસ કરીને નીતિશાસ્ત્ર, જાહેર વહીવટ, ભારતની અર્થવ્યવસ્થા, ભારતીય રાજ્યવ્યવસ્થા જેવા વિષયોમાં ગહન અભ્યાસ વગર જવાબ આપવા ઘણું અઘરું સાબિત થાય.
બીજા પ્રશ્નપત્રમાંના મોટાભાગના પ્રશ્નોની ચર્ચા સંવિધાન કરીયર એકેડેમી તેમજ SPIPA ખાતે મેં કરેલ છે. પરંતુ અમુક પ્રશ્નોની ખાસ નોંધ લેવાની ઈચ્છા થાય છે કે જેથી વિદ્યાર્થીઓ તૈયારીઓને હજુ વિસ્તારી શકે.
બીજા પ્રશ્નપત્રમાં પુછાયેલો પહેલો પ્રશ્ન ‘કાયદા અને નીતિશાસ્ત્ર વચ્ચેના તફાવત’ વિષે હતો. આ બાબતને ક્યાંક Code of Ethics, Code of Conduct અને Conduct Rulesની ચર્ચાઓ સાથે જોડી શકાય. પરંતુ આ પ્રકારની ચર્ચાઓ મેં અંગત રીતે પહેલી વખત વર્ષ ૨૦૧૪માં ખરીદેલ એક પુસ્તકમાં જોઈ હતી. William Lillie દ્વારા લિખિત એ પુસ્તકનું નામ છે ‘An Introduction to Ethics’. ૨૦૧૪માં જ્યારે UPSCની મુખ્ય પરીક્ષામાં નીતિશાસ્ત્રનું પ્રશ્નપત્ર પહેલીવાર દાખલ કરાયું ત્યારે એ માટે દિલ્હીથી એ પુસ્તક ખરીદ્યું હતું. આપણા ગુજરાતમાં આ પ્રકારના વાંચનનો દોર હજુ શરુ થયેલ નથી. હજુ વિદ્યાર્થી જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર માટે અમુક મટીરીયલ અને કઢંગા વીડિયોઝનો ઉપયોગ કરે છે.
છેલ્લા અમુક મહિનાઓમાં ઓનલાઈન એપ્લીકેશન્સ અને વીડિયોઝમાં વિષયજ્ઞાન ન ધરાવતા વ્યક્તિઓને જાહેર વહીવટ ઉપર લેક્ચર્સ આપતા જોઈ વિદ્યાર્થીઓના ધ્યાને વાત લાવવાની ઈચ્છા છે કે આ વિષયો સતત ચર્ચાઓ દ્વારા જ તૈયાર કરી શકાય(ચર્ચાઓ પણ યોગ્ય જગ્યાએ અને યોગ્ય વ્યક્તિઓ સાથે હોવી ઘટે). કોઈ પુસ્તકમાં આપેલ તથ્યોને યાદ કરી લઈને મુખ્ય પરીક્ષા નથી લખી શકાતી એ તમે અનુભવી રહ્યા હશો.
ગુજરાતી મેગેઝીન્સ અને સમાચારપત્રોથી આગળ વધી હવે The Hindu નહિ તો The Indian Express વાંચવાની ટેવ ઉમેદવારે પાડવી જ રહી.
૧૪મા નાણા પંચની ભલામણો રાજ્યોને કેન્દ્રની Tax Revenueમાંથી ૪૨% ભાગ આપવાથી આગળ પંચાયતો માટે બેઝીક અને પરફોર્મન્સ ગ્રાન્ટ વિષે પણ હતી તે જાણવું જરૂરી છે તે GPSCના આ પેપર્સથી વિદ્યાર્થીઓએ લેવાનો બોધપાઠ છે.
FDIનું પૂરું નામ અને તેના વિષેની સામાન્ય વિગતોથી આગળ હવે FDI વિષે retail sectorમાં local sourcingના ખ્યાલને જાણવો જરૂરી છે તે GPSCના આ પેપર્સથી વિદ્યાર્થીઓએ લેવાની શીખ છે.
Right to Disconnect Bill એક ખાનગી સભ્ય વિધેયક(Private member bill) તરીકે લોકસભામાં રજૂ થાય અને તેના વિષે GPSC પહેલા વર્ગ ૧/૨ની પરીક્ષામાં સીધો પ્રશ્ન પૂછે અને હવે તેના આધારે Private member billની જોગવાઈઓ વિષે પ્રશ્ન પૂછે તો એ વિદ્યાર્થીઓએ સમજવાની વાત છે કે કરન્ટ અફેર્સને કઈ રીતે વાંચવું. હાલની ઘટનાની નોંધ તો લેવી જ પરંતુ સાથે તે ઘટના સાથે તેની થિયરીને પણ તૈયાર કરવી.
બંધારણના ભાગ ૯ અને ૯કમાં મહિલાઓ માટે રાજકીય આરક્ષણ હોવા છતાં ‘પતિ સરપંચ’નો ખ્યાલ મોજુદ છે એ સૂચવે છે કે સ્થાનિક સ્વરાજ વિશેના આ ૭૩મા અને ૭૪મા બંધારણીય સુધારા સંપૂર્ણપણે સફળ તો સાબિત નથી જ થાય. વિદ્યાર્થી પંચાયતો અને નગરપાલિકાઓ માટે બંધારણમાં આપેલ અનુચ્છેદો ગોખવાથી આગળ વધીને આવું પૃથક્કરણ કરતા થાય ત્યારે આજની પરીક્ષાના ૭૩મા અને ૭૪મા બંધારણીય સુધારા વિશેના પ્રશ્નના જવાબ આપી શકે તે સમજવાનું છે.
આ સાથે આપણા સંવિધાન પબ્લીકેશન્સના પુસ્તકોના અમુક સંદર્ભ ટાંકુ છું કે જે પ્રશ્નોને હલ કરવામાં મદદરૂપ સાબિત થશે.
ભારતીય અર્થવ્યવસ્થા – પાના નં. ૬૭, ૯૦
જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર – પાના નં. ૪૮, ૭૯ ૧૧૨
Thank u sir…. This is great help for aspirants…
Very nice and analytical