સંદેશ સમાચારપત્રમાં ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામે કોલમ લખતા રમેશ ઓઝા દ્વારા તથ્યહીન બેજવાબદાર રજૂઆત

Father of the Constitution of India

૧૮ એપ્રિલ, ૨૦૨૧ના રોજ સંદેશ સમાચારપત્રમાં રમેશ ઓઝા નામના એક વ્યક્તિએ એક લખાણ લખ્યું. ગુજરાતી સમાચારપત્રોને તો મેં વર્ષોથી છેટાં રાખ્યા છે પણ એક વિદ્યાર્થીએ આ લખાણ મને મોકલ્યું તેથી વાંચવાનું થયું.

લખાણ બાબાસાહેબના બંધારણ નિર્માણના પ્રયત્નોનું મૂલ્યાંકન કરવા વિષે હતું. અને એમ કરીને તેઓ ન્યાય કરવાનો દાવો કરી રહ્યા છે.

લખાણને લેખ ન કહેવાય, કારણ આનાથી મોટા કદનું લખાણ તો મારા વિદ્યાર્થીઓ દરરોજ લખતા હોય છે. છતાં આજના ખાડે ગયેલ પત્રકારત્વ માટે આવું લખાણ લેખ કહેવાય છે, જેને કમને સ્વીકારવું પડે.

રમેશ ઓઝા એ ગજાના વ્યક્તિ નથી કે એમને કે એમના લખાણને આપણે ધ્યાને લેવા જોઈએ. પણ રાષ્ટ્ર પ્રત્યેની આપણી નિષ્ઠા આપણને ફરજ પાડે કે આપણને રાષ્ટ્ર તરીકે ટકાવી રાખતી બાબતો સાથે કોઈ ચેડા કરે તો આપણે તેનો વિરોધ કરીએ.

  • ભાઈ એક વખત લખે કે છે કે “સત્ય તો એ છે કે ભારતનું બંધારણ ઘડાવાની પ્રક્રિયા ત્રણસો વરસની હતી” અને આગળ લખે છે કે “બંધારણના સ્વરૂપ વિષે ૧૯૪૨થી સઘન ચર્ચા શરુ થઇ હતી”. આ બે વિધાનોથી જ એમની ડામાડોળ માનસિકતાનો અંદાજ આવી જાય છે.

પહેલા વાક્યમાં તો વ્યાકરણદોષ પણ છે પણ ભાઈની નબળી ભાષાશૈલી એમના લખાણમાં ઊડીને આંખે વળગે છે એટલે આ બાબતે એમને માફ કરીએ.

હવે વાત ત્રણસો વરસની – આઝાદી પહેલાના ત્રણસો વરસથી એટલે કે ૧૬૪૭ના વરસથી. ૧૬૪૭ના વર્ષમાં હજુ ભારતમાં બ્રિટીશ સામ્રાજ્ય સ્થપાયું નહોતું, મુઘલ સામ્રાજ્ય હજુ હયાત હતું. બ્રિટીશર્સ ભારતમાં એક ખાનગી કંપની તરીકે પ્રવેશીને વેપાર કરી રહ્યા હતા.

ભારતના બંધારણના મૂળિયાં બ્રિટીશ શાસન ભારતમાં શરુ થયું ત્યારથી માનવામાં આવે છે જે ૧૮મી સદી(ખાસ કરીને ૧૭૬૪ના બક્સરના યુદ્ધ બાદ)ની વાત છે. ૧૭૭૩ના વર્ષમાં બ્રિટીશ સંસદે ભારત માટે રેગ્યુલેટીંગ એક્ટ ઘડ્યો, ત્યાંથી ભારતની હાલની આધુનિક રાજવ્યવસ્થાનો પાયો નંખાયાનું ઈતિહાસકારો અને અભ્યાસુઓ માને છે.

ભારતીય રાજવ્યવસ્થાની પૃષ્ઠભૂમિ વિષેની આ માહિતી અતિસામાન્ય છે. ઈતિહાસનો સામાન્ય સ્તરે અભ્યાસ કરનાર વ્યક્તિ પણ આ વિષે જાણતો હોય; અમારા સ્પર્ધાત્મક પરીક્ષા જગતમાં આટલું ન જાણનારને મૂર્ખ સમજવામાં આવે. એક પ્રાદેશિક સમાચારપત્રમાં કોલમ લખતી વ્યક્તિ આ ન જાણતી હોય તો એ લેખ લખવાને લાયક ન કહેવાય, અને જો જાણતી હોવા છતાં માહિતીમાં આવી ભેળસેળ કરે તો તેણે તેના વાચકોને દગો દીધાનું કહેવાય. રમેશ ઓઝા વિષે ચુકાદો બાંધવો રહ્યો.

  • ભાઈ લખે છે કે “કોઈ નવલકથાની જેમ ભારતનું બંધારણ કોઈ એક લેખકે કમરામાં બેસીને નથી લખ્યું.”

હા તો ભાઈ નથી જ લખ્યું. ભારતનું બંધારણ બંધારણસભાએ રચ્યું છે, જેમાં સ્વતંત્રતા પૂર્વે ૩૮૯ અને સ્વતંત્રતા બાદ ૨૯૯ સદસ્યો હતા. આ કોઈ મનુસ્મૃતિ થોડી છે કે કોઈ એક મનસ્વી ગમેત્યારે ગમેતેમ લખી નાખે.

કોઈનો ક્યારેય દાવો રહ્યો જ નથી કે બાબાસાહેબે એકલા હાથે બંધારણ ઘડ્યું. પરંતુ એમના બંધારણ નિર્માણના પ્રયત્નોને બિરદાવવા માટે એમને અપાયેલા બિરુદ જેવાં કે ‘બંધારણના પિતા’, ‘બંધારણના મુખ્ય રચયિતા’, ‘બંધારણના ઘડવૈયા’ જ્યારે એમને માનનારો વર્ગ વાપરતો હોય ત્યારે અમુક અસહનશીલ વ્યક્તિઓ તેમાં પોતાનું ઝેર ઓકવાની તક મેળવી લેતા હોય છે.

રાષ્ટ્રસેવાનું કોઈ પણ કાર્ય ક્યારેય કોઈ વ્યક્તિએ એકલા હાથે ન કર્યું હોય, એ અસંખ્ય લોકોના પ્રયત્નોની નીપજ હોય. પણ એ બધામાં કોઈ એક કે અમુક હોય કે જેમણે નેતૃત્વ કર્યું હોય, જેમણે રાહ ચીંધી હોય, જેમણે મહત્તમ સમર્પણ દાખવ્યું હોય, જેમણે બધાં માટે ભોગ આપ્યો હોય. આમને જ આપણે જે તે કાર્યના પિતા કે મુખ્ય કર્તાહર્તા તરીકે યાદ રાખતા હોઈએ. આઝાદીની લડત લાખો લોકોએ લડી, પરંતુ રાષ્ટ્રપિતા તરીકે ગાંધીજી ઓળખાય છે, કેમ?

વ્યક્તિના વિચારમાં શ્રદ્ધા રાખનાર વર્ગ તેમના માટેની પોતાની લાગણી અને તેમના પ્રત્યેનું સન્માન અભિવ્યક્ત તો કરશે.

‘બાબાસાહેબે બંધારણ ઘડ્યું’ એવું વાક્ય કદાચ કોઈ અબુધ વ્યક્તિના મોઢે સાંભળીને તેને ગંભીરતાથી ન લઈએ, પરંતુ જ્યારે Granville Austin, દુર્ગા દાસ બાસુ, નાની પાલ્ખીવાલા, ફલી નરીમાન જેવા સ્કોલર્સ આંબેડકરજીના બંધારણ-ઘડતરમાં યોગદાનને સ્વીકારતા હોય તો રમેશ ઓઝા જેવાને એલફેલ બોલવાનો હક હોવો જોઈએ ખરો?

નાની પાલ્ખીવાલાના થોડા વાક્યો…

“These are third rate men. They are not people with vision. The members of the Constituent Assembly were first class men. People like Ambedkar framed the Constitution. Compared to the people in power today, I don’t I think I am in the same country.”

  • ભાઈ લખે છે કે “ભારતનું બંધારણ બંધારણસભામાં નહિ, પણ મુખ્યત્વે વીસેક જેટલી તેની પેટાસમિતિઓમાં ઘડાયું છે”

પ્રશ્ન થાય છે કે શું આ ભાઈને સંસદીય પ્રકારની શાસનપ્રણાલીની કામ કરવાની પદ્ધતિ વિષે કંઈ ખ્યાલ છે? ધારાસભાઓમાં રાખવામાં આવતી સમિતિઓની શું ભૂમિકા હોય એ જાણો છો ખરા? કારોબારી અંગ પર અસરકારક અંકુશ રાખવા માટે ધારાસભાઓમાં સમિતિ વ્યવસ્થા ઊભી કરાયેલી હોય. ઉપરાંત દરેક વિધેયક(bill)ને શક્ય તેટલું ક્ષતિરહિત બનાવવા સારુ તેની જોગવાઈઓ વિષે ઊંડું સંશોધન કરવું પડે, જેવું બંધારણ વિષે પણ કરવું જરૂરી હતું અને આ હેતુ માટે જ સમિતિઓ હોય. આવા સંશોધન બાદ જ સભામાં તેના પર બહસ થાય. અને બહસ કેવી થઇ છે એ જરા Constituent assembly debates વાંચીને સમજો. બંધારણસભાએ કેવી ચર્ચાઓ દ્વારા બંધારણને તૈયાર કર્યું છે એ સમજાશે.

તમારી અનુકુળતા માટે જણાવું કે આ debates લોકસભાની વેબસાઈટ ઉપર નિઃશુલ્ક ઉપલબ્ધ છે. થોડું વાંચો, પછી લખો. સાથે એ પણ ચેતવું કે તે અંગ્રેજી ભાષામાં છે. ભાષા પર થોડું કામ કર્યા બાદ જ તેનો અભ્યાસ કરવા જશો, નહિ તો સમજી નહિ શકો.

  • ભાઈ લખે છે કે “૧૯૪૨ પછી આઝાદ ભારતના બંધારણીય સ્વરૂપ વિષે જ્યારે સઘન ચર્ચા શરુ થઇ ત્યારે ગાંધીજીએ કનૈયાલાલ મુન્શીને એ જ કામ સોંપ્યું હતું જે સરકારે બી.એન. રાવને સોંપ્યું હતું.”

એ વખતના ગુલામ ભારતમાં ગાંધીજી દેશનું બંધારણ ઘડવાની કામગીરી કોઈને સોંપી શકે એવા કયા સત્તાધીશ હતા એ સમજાવશો. અને જો એવા તમામ મુદ્દાઓની નોંધ લેવી હોય તો આપણે ૧૯૨૮ના નહેરુ રિપોર્ટની નોંધ સૌપ્રથમ લેવી પડે કે જે આપણા દેશનું બંધારણ બનાવવા માટેનો સૌથી પહેલો પધ્ધતિસરનો પ્રયત્ન હતો. ૧૯૧૭ના વર્ષના લોર્ડ મોન્ટેગ્યુના August declarationની પણ નોંધ લેવી પડે જેમાં ભારતમાં જવાબદાર સરકાર સ્થાપિત કરવાની વાત કરાઈ હતી. દ્વૈધ શાસનપધ્ધતિ(diarchy) જેવી વિચિત્ર વહીવટી વ્યવસ્થાને જો એ વખતના નેતાઓએ નાબૂદ ન કરાવડાવી હોત તો બંધારણ ઘડવા સુધી આપણે પહોંચ્યા ત્યારે આપણી અંદર વ્યવસ્થા અંગેની કેટલી પરિપક્વતા હોત એ સવાલ છે. એ નેતાઓના પ્રયત્નોની પણ આપણે નોંધ લેવી પડે. આ અને આવી બીજી કેટલીય બાબતોની નોંધ લેવી પડે.

શા માટે આ બધી નોંધ ભાઈએ નથી લીધી?

  • ભાઈ લખે છે કે “મુનશી અને બી.એન.રાવે પ્રચંડ જહેમત ઉઠાવીને ભારતના ભાવિ બંધારણની ભૂમિ રચી આપી હતી અને કાચો મુસદ્દો પણ ઘડી આપ્યો હતો. એ પછી ડૉ.આંબેડકર પ્રવેશે છે.”

આ માત્ર ડૉ.આંબેડકર જ નહિ આખી બંધારણસભાના પ્રયત્નોનું અપમાન છે.

બંધારણસભાની ડ્રાફટીંગ કમિટી(કે જેના અધ્યક્ષ ડૉ.આંબેડકર હતા)એ બંધારણસભાની અલગ-અલગ ૨૨ સમિતિઓની ભલામણોને ધ્યાને લઈને ભારતના બંધારણનો પહેલો ડ્રાફ્ટ ઘડ્યો અને તે ફેબ્રુઆરી, ૧૯૪૮માં પ્રકાશિત કર્યો. તેના પર મળેલ વિવિધ સૂચનોના આધાર પર ડ્રાફટીંગ કમિટીએ બીજો ડ્રાફ્ટ ઘડીને ઓક્ટોબર, ૧૯૪૮માં પ્રકાશિત કર્યો. અહી નોધવું કે બંને ડ્રાફ્ટ વચ્ચે ૮ મહિનાનો સમય લાગ્યો, જે ડ્રાફ્ટને મઠારવા માટે ડ્રાફટીંગ કમિટી દ્વારા કરાયેલ વિશાળ પ્રયત્નો સૂચવે છે. છેલ્લે બંધારણનો આખરી ડ્રાફ્ટ બાબાસાહેબે નવેમ્બર, ૧૯૪૮ના રોજ પ્રકાશિત કર્યો. નોંધો કે આ ડ્રાફ્ટ પર પણ ૭,૬૫૩ સુધારા સૂચવવામાં આવ્યા હતા જેમાંથી બંધારણસભાએ ૨,૪૭૩ સુધારા પર ચર્ચાઓ કરી હતી. (આ દરેક તથ્યને બંધારણસભાના ઈતિહાસને લગતા સાહિત્ય સાથે મેળવી ખરાઈ કરી શકો)

હજુ બાબાસાહેબના પ્રયત્નોને નકારશો?

તથ્યોનો આધાર લીધા વગર કાલ્પનિક રજૂઆત કરવી, ઈતિહાસને ખોટી રીતે રજૂ કરવો, માહિતીઓ મૂકતી વખતે સિલેક્ટીવ બનવું, આ બધા વિકૃત વિચારસરણી ધરાવતા વ્યક્તિઓના લક્ષણ છે. તથ્ય વગર તારણ શાનું? તમારી વાતમાં કોઈ હકીકત જ રજૂ નથી કરી શકતા તો તમારો અભિપ્રાય માનવાને તો દૂર સાંભળવાને પણ કોઈ કારણ નથી.

બાબાસાહેબની એ કૃતજ્ઞતા હતી કે બંધારણ-નિર્માણમાં તેમને સહાયરૂપ થવા બદલ તેમણે સર બી.એન.રાવ સહિતનાનો આભાર માન્યો હતો. બાબાસાહેબ અને રાવ સાહેબને એકબીજાની વિરુદ્ધ ઊભા કરવા એ બાબતની તો કલ્પના પણ થોડા સમય પહેલા નહોતી થઇ શકતી. છેલ્લા અમુક વર્ષોમાં હીન વિચારધારા ધરાવતા લેખકોએ આ ચેષ્ટા કરી છે અને હવે તે સામાન્ય થવા માંડ્યું છે. બાબાસાહેબ અને રાવ સાહેબ બંને આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રતિભા હતા, બંનેના પ્રયત્નો એકબીજાના પૂરક હતા. તમારા સ્વાર્થ માટે ગમે તેને ગમે તેની સામે ઊભા કરી દેશો?

છેલ્લે, તમારી કોલમનું નામ બદલી નાંખો, ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ની જગ્યાએ નામ રાખો ‘પાણીમાં દૂધ’. તમારા લેખનના સ્તરને આવું જ નામ શોભે.

ડૉ. વિકલ્પ આર. કોટવાલ

(SAMVIDHAAN Career Academy & Publications)

(M) 84697 43567

આ લેખની pdf ડાઉનલોડ કરવા માટે નીચેની linkનો ઉપયોગ કરો

3 thoughts on “સંદેશ સમાચારપત્રમાં ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામે કોલમ લખતા રમેશ ઓઝા દ્વારા તથ્યહીન બેજવાબદાર રજૂઆત”

  1. ડો બાબાસાહેબ આંબેડકરના પાકિસ્તાન અને મુસ્લિમ ધર્મ પરના વિચારો પર આપની યુટ્યુબ ચેનલના માધ્યમથી પ્રકાશ પાડો એવી અરજ કારણ કે તેમનું પુસ્તક ”ધી પાર્ટીશન ઓફ ઈન્ડિયા ” આખું વાંચવાનો સમય કાઢવો મુશ્કેલ બને. ડો આંબેડકર ના જ વિચારો જાણવાનો હેતુ તેમની તાર્કિકતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *