1) વહીવટ એટલે શું? ( ગુણ-3)
વહીવટ એ કામ પાર પાડવા વિશે છે. તેના માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ “Administration” એ લેટિન ભાષાના શબ્દો ‘Ad’ અને ‘Ministrare’ ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય ‘સેવા કરવી’ કે ‘સંભાળ રાખવી’.
2) વહીવટ એટલે શું? ( ગુણ-૫)
વહીવટ એટલે કે એડમિનિસ્ટ્રેશન (Administration)શબ્દ કે જેના મૂળમાં રહેલ લેટિન શબ્દો ‘Ad’ અને ‘Ministrare’નો અર્થ થાય ‘સેવા કરવી’ અથવા ‘ કાળજી લેવી’.
વહીવટ એ કામ પાર પાડવા વિશે છે. અને તેથી જ અલગ-અલગ વિચારકોએ રજૂ કરેલ વહીવટની વ્યાખ્યા ઉપરથી તારણ કાઢવામાં આવેલ છે કે વહીવટના મુખ્ય બે લક્ષણો છે.
૧. ચોક્કસ એકસમાન ઉદ્દેશ્ય
૨. સહકારી પ્રયત્ન.
૩) જાહેર વહીવટ એટલે શું? ( ગુણ-3)
અહીં જાહેર શબ્દ એક વિશેષણના સ્વરૂપમાં સરકારનો સંદર્ભ ધરાવે છે. વહીવટ એ કામ પાર પાડવા વિશે, સેવા કરવા વિશે છે. સંયુક્તપણે જોતાં જાહેર વહીવટ એ સરકાર દ્વારા કરવામાં આવતાં કામકાજ તેમજ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી જાહેર સેવાઓ છે.
4) “વહીવટ એક ભપકાદાર શબ્દ છે, પરંતુ તેનો અર્થ ઘણો વિનમ્ર છે.” સ્પષ્ટ કરો. ( ગુણ-૫)
સાંપ્રત અમલદારશાહી સરકારના યુગમાં વહીવટદારોની સત્તા અને અગત્યને કારણે સ્વભાવિકપણે વહીવટ એ આંજી નાખે તેવો ભપકાદાર શબ્દ લાગે. તેથી જ તો ઈ. એન. ગ્લેડન ઉપરોક્ત કથન કેહવા પ્રેરયા હતા.
પરંતુ જ્યારે વહીવટ માટેના અંગ્રેજી શબ્દ એડમિનિસ્ટ્રેશનનું લેટિન ભાષામાં રહેલ મૂળ ‘Ad’ અને ‘Ministrare’નો અર્થ થાય ‘સેવા કરવી’ એવો મેળવીએ ત્યારે સમજાય છે કે વાસ્તવમાં વહીવટ શબ્દ અતિ વિનમ્ર ભાવ ધરાવે છે.
5) જાહેર વહીવટની લાક્ષણિક્તાઓ જણાઓ. ( ગુણ-૫)
નિમ્નલિખિત જાહેર વહીવટની મુખ્ય લાક્ષણિક્તાઓ છે.
૧. ઈજારો (Monopoly) – રાજયોના કાર્યો સંદર્ભે જાહેર વહીવટની ઈજારાશાહી રહેલી હોય છે.
૨.અનામિત્વ (Anonymity) – જાહેર વહિવતદારો પોતાની અંગત ક્ષમતામાં કામ ન કરતાં રાજ્યના પ્રતિનિધિઓ તરીકે કાર્ય કરે છે.
૩.જાહેર સેવા (Public Service) – જાહેર વહીવટ નફો રળવાના ઉદ્દેશ્યથી નહિ પરંતુ લોકસેવાનો ઉદ્દેશ્ય રાખી કાર્યો કરે છે.
૪. જાહેર જવાબદારી અને જવાબદેહિતા (Public Responsibility and Accountability) – જાહેર વહીવટદારો એ પ્રજા પ્રત્યે જવાબદાર રહીને ફરજ બજાવવાની રહે છે તથા તે અંગે પ્રજાને જવાબ આપવાના રહે છે.
6) જાહેર વહીવટનું એક પ્રવૃતિ તરીકે તથા એક વિદ્યાશાખા તરીકે મૂલ્યાંકન કરો. ( ગુણ- ૧૦ )
પ્રવૃતિ તરીકે જાહેર વહીવટ અનાદિકાળથી અસ્તિત્વમાં છે. જ્યારથી માનવ સભ્યતા વિકસી, રાજ્યો સ્થાપયા, ત્યારથી રાજ્યના એક અભિન્ન અંગ તરીકે જાહેર વહીવટ મોજૂદ રહ્યું છે. આ અંગેના પુરાવા કૌટિલ્ય દ્વારા રચિત ‘અર્થશાસ્ત્ર’, ઉપરાંત રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો તથા ‘ આઈન – એ -અકબરી’ જેવા લખાણોમાં મળી આવે છે.
પરંતુ એક વિદ્યાશાખાતરીકે જાહેર વહીવટ માંડ દોઢસો વર્ષ જૂનું છે. નવાઈની વાત છે કે એક પ્રવૃતિ તરીકે હંમેશા અસ્તિત્વમાં હોવા છતાં તેને એક વિષય તરીકે જોવાની ગંભીરતા કોઈએ લીધી નહિ. છેક 1887ના વર્ષમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જેવા થોમસ વુડ્રો વિલ્સને પોલિટીકલ સાયન્સ ક્વાર્ટર્લીમાં લખેલા પોતાના નિબંધ ‘ The study of Administration’માં જાહેર વહીવટને એક અલાયદી વિદ્યાશાખા તરીકે, એક વિજ્ઞાન તરીકે જોવાની જિકર કરી. એક પ્રવૃતિ તરીકે જ્યાં જાહેર વહીવટ રાજ્યશાસ્ત્રના ક્ષેત્રમાં હંમેશા નજરઅંદાજ થતું રહ્યું તેને મિ. વિલ્સને એલ અલગ અભ્યાસના વિષય તરીકે તારવ્યું અને આમ જાહેર વહીવટની વિદ્યાશાખા જન્મી. આમ,એક પ્રવૃતિ તરીકે અને એક વિદ્યાશાખા તરીકે જાહેર વહીવટમાં સારી એવી ભિન્નતા વર્તાય છે.